પેટા ચૂંટણી ને લઈને ભાજપમાં ગભરામણ! જેવું દેખાય છે એવું નથી! જાણો!

પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલમીડિયા

તાજેતરમાં યોજાયેલી ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક પર ચૂંટણીને પગલે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ભાજપની સામ, દામ, દંડ અને ભેદની રાજનીતિ આગળ રાજકીય દમ તોડ્યો હતો. જેને પરિણામે ભાજપ 3 બેઠક પર વિજય મેળવી શકી અને કોંગ્રેસના ખાતે એક બેઠક આવી હતી. પરંતુ ભાજપની અગ્નિ પરીક્ષા હવે શરૂ થાય છે. કોંગ્રેસ સાથે દ્રોહ કરનારા ધારાસભ્યોની બેઠક ખાલી થઈ હતી અને હવે આ તમામ 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી નો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજ પેટા ચૂંટણી ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થવા જઇ રહી છે.

કોંગ્રેસ માંથી આઠ જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા તેમાંથી પાંચ ધારાસભ્યો કપરાડા બેઠકના જીતુ ચૌધરી, ધારી બેઠકના જે. વી. કાકડીયા, અબડાસા બેઠકના પ્રદ્યુમનસિંહ જાડેજા, કરજણ બેઠકના અક્ષય પટેલ અને મોરબી બેઠકના બ્રિજેશ મેરજા દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે ભાજપનો ખેસ પહેરીને પ્રવેશ મેળવ્યો હતો. તો બાકીના ત્રણ લીમડી બેઠકના સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, ગઢડા બેઠકના પ્રવીણ મારુ અને ડાંગ બેઠકના મંગળ ગાવીત હજુ પણ કમલમની આજુબાજુ આંટા મારીને ચપ્પલ ઘસી રહ્યા છે. ભાજપ દ્વારા તેમને પ્રવેશ સત્તાવાર પ્રવેશ આપવામાં આવ્યો નથી.

પેટા ચૂંટણી, રાજ્યસભા. મોદી સરકાર, યસ બેંક, yes bank
ફોટો સોશિયલમીડિયા

વાત એમ છે કે ભાજપમાં આ તમામ આયાતી ધારાસભ્યો જે કોંગ્રેસમાંથી આવ્યા છે તેમની સામે સખત વિરોધ છે. કાર્યકરોમાં પણ આયાતી નેતાઓને પેટા ચૂંટણી માં ટીકીટ આપવા સામે સખત વિરોધ છે. મોરબીની વાત કરીએ તો બ્રિજેશ મેરજા કોંગ્રેસ માંથી ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે ત્યારે જો તેમને ફરી ભાજપ પેટા ચૂંટણી માં ટીકીટ આપે તો ભાજપના નેતા અને મોરબીમાં ભાજપને બેઠી કરનાર વર્ષોથી ધારાસભ્ય કાંતિ અમૃતીયા અને તેમના સમર્થકો નારાજ થઈ શકે છે. ભાજપ માટે ગ્રાઉન્ડ ઝીરો પર સખત મહેનત કરતાં કાંતિભાઈ નારાજ થાય એ ભાજપને પોસાય તેમ નથી.

એવી જ રીતે જો કપરાડા બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા જીતુ ચૌધરી જે વર્ષ 2017ની ગુજરાત વિધાસભા ચૂંટણીમાં માત્ર 170 વોટથી ભાજપના રાઉત માધુભાઈ બાપુભાઈને હરાવીને જીત્યા હતા. જો કપરાડા બેઠક જીતુ ચૌધરીને આપવામાં આવે તો માધુભાઈ રાઉત ભાજપ સામે લાલ આંખ કરી શકે છે. જે વ્યાજબી પણ ગણી શકાય છે. ભાજપ અસમંજસમાં છે કે કોને બેઠક આપવી અને કોને ના આપવી. ભાજપને હાલમાં બેઠક કરતા પાર્ટી કાર્યકરોનું મોરલ અને ઉત્સાહ વધારે પ્રિય છે કારણ કે વર્ષ 2022માં એટલે કે બે વર્ષ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં કાર્યકર નારાજ થાય તે ભાજપને પોસાય એમ નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ, પેટા ચૂંટણી
ફોટો સોશિયલમીડિયા

અબડાસા બેઠકની વાત કરીએ તો અબડાસા ભાજપ માટે સારા સમાચાર કહી શકાય કારણ કે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસ માંથી રાજીનામુ આપતી વખતે કહેલું કે ભાજપમાંથી પેટા ચૂંટણી લડવાનો નથી. જો કે રાજનેતાઓના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હોય છે. ભાજપને પ્રેશર કરીને જો પ્રદ્યુમનસિંહ ટિકિટ લાઈ આવે તો અબડાસા ભાજપમાં ભંગાણ પડી શકે છે. કારણ કે આ પહેલાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસ માંથી આવેલા છબીલ પટેલને ટિકિટ આપી હતી અને સ્થાનિક લોકલ કાર્યકરોની અવગણના કરી હતી. ફરી જો ભાજપ એજ ભૂલ કરશે તો કાર્યકરોના રોષનો ભોગ બનવું પડશે.

કોંગ્રેસના જે.વી.કાકડિયા ધારી વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધારી બેઠક પરથી ભાજપ જે.વી. કાકડીયા અથવા તેમના પત્નીને પેટા ચૂંટણી ની ટીકીટ આપી શકે છે. ત્યારે ભાજપના પાયાના કાર્યકર અને વર્ષ 2017માં ભાજપમાંથી લડેલા દિલીપ સંઘાણીને ટિકિટ ના મળતાં ભાજપી કાર્યકરોમાં અસંતોષ જોવા મળી શકે છે. જેના કારણે આ બેઠક પર ભાજપને આંતર કલહના કારણે રાધનપુરવાળી થઈ શકે છે. ભાજપ કાર્યકરોને નારાજ કે નિરાશ કરવા માંગતી નથી એટલે ભાજપના હાલ સાપે છછુંદર ગળ્યા જેવા થઈ ગયા છે.

પેટા ચૂંટણી, રાજ્યસભા, હાર્દિક પટેલ
Photo: Social media

આવી જ હાલત કરજણ વિધાનસભા બેઠક પર પણ છે. જો ભાજપ કોંગ્રેસમાંથી આવેલા અક્ષય પટેલને પેટા ચૂંટણી માં ટિકિટ આપે તો ભાજપને મજબૂત કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ પાર્ટીથી નારાજ થઈ શકે છે. જે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 4000 જેટલા વોટથી હાર્યા હતા. ભાજપના પાયાના કાર્યકરની બાદબાકીથી પક્ષના કાર્યકરો અને હોદ્દેદારોમાં અસંતોષ ફેલાઈ શકે છે અને ભાજપને આ બેઠક પર રાધનપુર બાયડવાળી થઈ શકે છે. ભાજપમાં હાલ ગભરામણની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. એક તરફ પાયાના કાર્યકરો તો બીજીતરફ ભાજપના વિશ્વાસે પોતાની માતૃપાર્ટી સાથે દ્રોહ કરીને આવેલા ધારાસભ્ય.

તો હજુ બાકી રહી ત્રણ બેઠકના ધારાસભ્યો લીમડી બેઠકના સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, ગઢડા બેઠકના પ્રવીણ મારુ અને ડાંગ બેઠકના મંગળ ગાવીતને હજુ ભાજપે પ્રવેશ આપ્યો નથી એ પ્રશ્ર્ન તો હજુ ઉભો ને ઉભો જ છે. ત્યારે ગુજરાત ભાજપની ગભરામણ દુર કરવા રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કોઈક તોડ જોડ સાથે રસ્તો કાઢીને પાયાના કાર્યકરો અને આયાતી નેતાઓ વચ્ચેનો આ પ્રશ્ર્ન સોલ્વ કરવા માટે મથામણ કરવા લાગી ગયા છે. જે પણ નિષ્કર્ષ આવે એક તરફ તો નારાજગી રહેવાની એ ચોક્કસ છે જેનો સીધો ફાયદો કોંગ્રેસને થાય તો નવાઈ નહીં. જો કે આ તમામ બેઠકો કોંગ્રેસની જ ખાલી પડેલી છે એટલે આમ જોવા જઈએ તો નુકશાન સાથે ફાયદો ગણાવી શકાય.