તાજેતરમાં યોજાયેલી ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક પર ચૂંટણીને પગલે કોંગ્રેસના 8 ધારાસભ્યો દ્વારા કોંગ્રેસ માંથી રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું. ચાર રાજ્યસભા બેઠક માટે મતદાન યોજાવાનું હતું અને કોંગ્રેસના આઠ જેટલા ધારાસભ્યોએ ભાજપની સામ, દામ, દંડ અને ભેદની રાજનીતિ આગળ રાજકીય દમ તોડ્યો હતો એટલે કોંગ્રેસ માટે ચાર માંથી બે બેઠક જીતવા માટે ધારાસભ્યોનું સંખ્યાબળ રહ્યું નહીં પરીણામે કોંગ્રેસ રાજ્યસભાની 1 બેઠક જીતી શકી. અને હવે આ તમામ 8 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજ પેટાચૂંટણી ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થાય તો નવાઈ નહીં.
રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માંથી આઠ જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા અને તેમાંથી પાંચ ધારાસભ્યો કપરાડા બેઠકના જીતુ ચૌધરી, ધારી બેઠકના જે. વી. કાકડીયા, અબડાસા બેઠકના પ્રદ્યુમનસિંહ જાડેજા, કરજણ બેઠકના અક્ષય પટેલ અને મોરબી બેઠકના બ્રિજેશ મેરજા દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે ભાજપનો ખેસ પહેરીને પ્રવેશ મેળવ્યો હતો. તો બાકીના ત્રણ લીમડી બેઠકના સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, ગઢડા બેઠકના પ્રવીણ મારુ અને ડાંગ બેઠકના મંગળ ગાવીત હજુ પણ કમલમની આજુબાજુ આંટા મારીને ચપ્પલ ઘસી રહ્યા છે. ભાજપ દ્વારા તેમને પ્રવેશ સત્તાવાર પ્રવેશ આપવામાં આવ્યો નથી.
ભાજપમાં જોડાયેલા પાંચ ધારાસભ્યો બાબતે ભાજપે સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી નિર્ણય લેશે કે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવી કે કેમ! મતલબ કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યોને ટિકિટ મળવી એ ફાઇનલ નથી પરંતુ કોઈ શરત પ્રમાણે જો ટિકિટ મળે તો ભાજપમાં દ્રોહ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હાલમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક રિપોર્ટ આપવામાં આવ્યો છે જેમાં ભાજપ માટે 5-6 બેઠક પર આંતરિક કલહ નડવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેના કારણે 5-6 બેઠક ગુમાવી પણ શકે છે. જો ભાજપ આંતરિક કલહ નહીં ઠારે તો તમામ બેઠક પર રાધનપુરવાળી થવાની શક્યતાઓ છે.
ભાજપમાં સત્તાવાર પ્રવેશ મેળવનાર ધારાસભ્યોને જો ભાજપ ટિકિટ આપે તો પોતાની જ પાર્ટીના કાર્યકરો નારાજ થાય અને મોટો દ્રોહ થાય. અથવા તો ભાજપના રાધનપુર અને બાયડ માં જે હાલ થયાં તે થાય તેમ શંકા ને કોઈ સ્થાન નથી તે ભાજપના નેતાઓ પણ સારી રીતે જાણે છે. તો બીજીતરફ જો ભાજપ કોંગ્રેસના આયાતી ધારાસભ્યોને ટીકીટ ના આપે તો આયાતીઓમાં પણ રોષ જાગે. એટલે જ આ પેટા ચૂંટણી ભાજપ માટે માથાના દુખાવા સમાન બની છે ત્યારે કોંગ્રેસના આયાતી ધારાસભ્યો ના ઘરના રહ્યા ના ઘટના રહ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
ભાજપે હજુ કોંગ્રેસના 3 ધારાસભ્યોને પ્રવેશ આપ્યો નથી. આ ત્રણેય ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ મેળવવા અને વિધાનસભાની ટિકિટ માટે તડફડીયા મારી રહ્યા છે કારણ કે તેમની પાસે હવે કોઈ બીજો રસ્તો બચ્યો નથી. તમામ આઠેય ધારાસભ્યોને ભાજપ કહે તેમ કરવું પડે એવો સમય આવ્યો છે. કોંગ્રેસ માં તેઓ હતા ત્યારે તેઓ કહે તેવું થતું હતું અને ભાજપમાં એકદમ ઊંધું થઈ ગયું છે. જોકે કોંગ્રેસ માંથી દ્રોહ કરીને ગયેલા કેટલાક નેતાઓ ખુલ્લે આમ સ્વીકારે છે કે ભાજપે અમને હજુ સંપૂર્ણ રીતે સ્વીકાર્યા નથી. આવું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે ભાજપમાં જઈને ધારાસભ્ય બન્યા તોય જાહેરમાં સ્વીકારી ચુક્યા છે. ત્યારે આ આઠ ધારાસભ્યોની હાલત શું થશે એ ભગવાન જાણે!
ઉલ્લેખનીય છે કે, ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યો સામે હાલમાં ભાજપ કાર્યકરોમાં રોષ છે જ. અને જો ભાજપ તેમને ટિકિટ આપે છે તો ભાજપના કાર્યકરો રાધનપુર વાળી કરે એમ નવાઈ નહીં. આ ધારાસભ્યોના સાથ સહકારના કારણે ભાજપે રાજ્યસભાની ત્રણ બેઠક તો જીતી લીધી પરંતુ હવે જયારે આ ધારાસભ્યોની બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ માટે કપરા ચડાણ ઉભા થઇ રહ્યા છે. ભાજપ માટે પણ હાલ ના ગળી શકાય કે ના ઓકી શકાયની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.