પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલા હાર્દિક પટેલ પર સેંકડો કેસ ચાલી રહ્યા છે. અને હમણાં જ હાર્દિક પટેલ સામે બિનજમાનતી વોરંટ કાઢીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને કોર્ટ માંથી જમીન મળ્યા હતા પરંતુ જામીન માળતાની સાથે બીજા કેસમાં તેમને હાજર થવા માટે સમન્સ ઇસ્યુ થઈ ગયા છે. અને હાલ હાર્દિક અંગે કોઈ ભાળ નથી. હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ હાર્દિક પટેલના અધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જણાવી રહ્યાં હતાં કે હાર્દિક ક્યાં છે તેની કોઈ જાણકારી નથી. અને રૂપાણી સરકાર પર સવાલિયા નિશાન ઉઠાવી રહ્યા હતાં.
જણાવી દઈએ કે સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર જે રાજદ્રોહના કેસ કરવામાં આવ્યા હતા તે કેસો હજુ પાછા ખેંચ્યા નથી. રૂપાણી સરકાર દ્વારા વારંવાર જાહેરાત પણ કરવામાં આવી છે છતાં આ કેસો પાછાં ખેંચવામાં આવ્યા નથી. આ બાબતે હાર્દિક પટેલ દ્વારા પણ રૂપાણી સરકાર ને વારંવાર રજુઆત કરવામાં આવી હતી પરંતુ રૂપાણી સરકાર દ્વારા આ બાબતે હજુ સુંધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. આ બાબતે હાર્દિક પટેલના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટથી રૂપાણી સરકાર ની મુશ્કેલીઓ વધશે એ નક્કી છે.
હાર્દિક પટેલ દ્વારા તેમના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ મુકવામાં આવી હતી કે, જય સરદાર સાથે ગુજરાતના તમામ તાલુકામાં કાર્યરત પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોને અપીલ કરું છું કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહીત યુવા આંદોલનકારીઓ પર રાજદ્રોહ સમેત જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તે પાછા લેવાની માંગ સાથે આવતી તારીખ ૨/૩/૨૦૨૦ ના રોજ તાલુકા તથા જિલ્લા મથકે શ્રી મામલતદાર અને આદરણીય કલેકટર સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવે.
વધુમાં આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી સમયે પાટીદાર યુવાનો પરથી કેસો પાછા ખેંચવાની વાતો રાજકીય અને સામાજિક આગેવાનો કરતા હતા, પરંતુ આજે પણ પાટીદાર સમાજના હજારો યુવા અને યુવતીઓ કોર્ટ-કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદાર સમાજ સહીત અન્ય તમામ સમાજોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનેક લાભ મળી રહ્યા છે, પરંતુ આંદોલનકારીઓને કોર્ટ-કચેરીના ધક્કા સિવાય કઈ મળ્યું નથી. સત્યની લડાઈને સાથ સહયોગ આપવા વિનંતી.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ દ્વારા ફરીથી પાટીદાર યુવાનોને પોતાના હકની લડાઈ લડવા માટે જાગૃત થવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે. હાલતો આ લેટર બૉમ્બ દ્વારા રૂપાણી સરકાર ની મુશ્કેલીઓ આગામી સમયમાં વધશે એ નક્કી છે. જણાવી દઈએ કે હાર્દિક પટેલ પણ આજ પાટીદાર અનામત આંદોલન વખતે દાખલ કરવામાં આવેલા કેસોમાં જેલમાં પણ જઈ આવ્યા છે અને બીજા અનેક કેસોમાં તેમના સામે સમન્સ / વોરંટ પણ ઇસ્યુ થયા છે. જેની સામે હાર્દિક પટેલ દ્વારા કેટલીય વાર રૂપાણી સરકાર ને રાજુઆતો કરી હતી. સરકાર દ્વારા કેસો પાછા ખેંચવાની જાહેરાત પણ કરી હતી પરંતુ તે માત્ર જાહેરાત હોય તેવું લાગી રહ્યું છે. હવે આ મુદ્દે રાજકારણ ગરમાય તો નવાઈ નહીં.